ગુજરાત નેફ્રોલોજીસ્ટ અસોશિએશન
સરકારશ્રી અને PMAJY યોજનાના અધિકારીઓ દ્વારા તાજેતરમાં લેવાયેલ ડાયાલિસિસના ભાવ ઘટાડા સામે નેફ્રોલોજીસ્ટ ડોકટરો, ટ્રસ્ટ, કોર્પોરેટ અને પ્રાઇવેટ હોસ્પિટલો અને ક્લિનિકો દ્વારા જાહેર કરેલા આંદોલનમાં તા. ૧૪ થી ૧૬ ઓગષ્ટ મુખ્યમંત્રી અમૃતમ (માં) હેઠળ ડાયાલિસિસ સેવા બંધ રાખી સરકારશ્રીના નિર્ણયનો વિરોધ જાહેર કરવામાં આવેલ. જે સંદર્ભે સરકારશ્રીના પ્રતિનિધિઓ અને PMAJY યોજનાના અધિકારીઓ દ્વારા ડોકટરો અને હોસ્પિટલના પ્રતિનિધિઓને મંત્રણા માટે બોલાવવામાં આવેલ, પરંતુ મંત્રણાના અંતે ઠાલા આશ્વાસનો સિવાય કોઇ નકકર પગલાઓની બાંહેધરી ન મળતા, દુ:ખ સાથે નેફ્રોલોજીસ્ટ એસોસીએશનને હડતાલ દ્વારા જાહેર કરાયેલ આંદોલન ચાલુ રાખવાની ફરજ પડી છે.
આ અંગે વધુ જણાવતા નેફ્રોલોજીસ્ટ એસોસીએશનના હોદેદારો જણાવે છે કે, ગુજરાત નેફ્રોલોજી એસોસિયેશન દ્વારા તારીખ ૧૪ થી ૧૬ ઓગસ્ટના ત્રણ દિવસ PMAJY ડાયાલિસિસ ન કરવાના નિર્ણયના પગલે સરકારે તેઓના પ્રશ્નોનો ઉકેલ લાવવાને બદલે એસોસિએશન ના હોદ્દેદારો અને હોસ્પિટલને વિવિધ પ્રકારે મૌખીક ધમકીઓ આપવાનું શરૂ કર્યું હોય તેવું જાણવા મળી રહ્યું છે. રાજયની ઘણી હોસ્પિટલો અને એસોસીએશનના હોદેદારોને સમજાવવાના નામે ગર્ભીત ધમકીઓ આપવામાં આવી રહી છે કે જો તમે PMAJY ના લાભાર્થીઓને ને સારવાર નહીં આપો તો અમે હોસ્પિટલને ડી-ઇમ્પેનલમેન્ટ (સરકાર સાથેનું જોડાણ રદ) કરી દેવામાં આવશે અને બાકી સરકારશ્રી પાસેથી લેણા નિકળતા પૈસા પણ અટકાવી દેવાશે, તેવું એસોસીએશન સાથે સંકળાયેલા સુત્રો જણાવી રહ્યા છે. આ પ્રકારની વિચાર્યા વગરની ગર્ભિત ધમકી આપતી વખતે PMAJY અને સરકાર એ પણ ભૂલી ગઈ કે અત્યારે તો ખાલી ડાયાલિસિસ ના દર્દીઓનો જ પ્રશ્ન છે જો બધી જ હોસ્પિટલ સાથેનું જોડાણ રદ કરી દેવામાં આવશે તો હ્રદય, સ્ત્રિ રોગ, જનરલ મેડિસિન (ક્રિટિકલ કેર), કેન્સર, હાડકાના રોગો, અને યુરોલોજી જેવી બીજી સ્પેશિયાલિટીના દર્દીઓ પણ સારવાર વગર રખડી પડશે. આવી સ્થિતિ ઉત્પન્ન કરી સરકાર શું કરવા માંગે છે? એ જ સમજાતું નથી.
ગઈકાલે નેફ્રોલોજીસ્ટ ડોકટરો દ્વારા મિડિયાના માધ્યમથી જાહેર કરેલ આંદોલનના ઘટનાક્રમ પછી રવિવારે સવારે રાજ્યના પ્રિન્સિપાલ સેક્રેટરી શ્રી મનોજ અગ્રવાલ સાહેબ, આઈ.કે.ડી.આર.સી ના ડાયરેક્ટર ડો.વિનીત મિશ્રા સાહેબ તથા PMAJY ના જનરલ મેનેજર ડો. શૈલેષ આનંદ સાહેબની ટીમે ગુજરાત નેફ્રોલોજી એસોસિએશનના હોદેદારોને મંત્રણા માટે બોલાવ્યા હતા. પરંતુ ફકત મૌખીક ઠાલા આશ્વાસનો આપી કોઈપણ પ્રકારની લેખિત બાહેધરી વગર દર વખતની જેમ જ હડતાલ બંધ નહીં કરો તો કાયદેસરના પગલાં લેશું એવી આડકતરી ધમકીઓ આપી ફરીથી આંદોલનકારીઓને વિદાય કરી દીધા હતા. જેથી ડોકટરોનું આંદોલન ચાલુ રાખવાની ફરજ પડી છે અને તા. ૧૪ થી ૧૬ દરમ્યાન જાહેર કરેલ હડતાલ ચાલુ રહેશે.
આમ જોઈએ તો સરકાર તથા PMAJY ના અધિકારીઓ દર્દીઓની ચિંતા કર્યા વગર અવિચારી નિર્ણયો લઈ રહ્યા છે. જો PMAJY અધિકારીઓ અને સરકારને દર્દીઓ પ્રત્યે લાગણી અને ચિંતા હોત તો હોસ્પિટલોના જોડાણ રદ કરવા જેવી બાબત વિચારવાને બદલે પ્રશ્નનો હકારાત્મક ઉકેલ લાવવા વિચારણા કરવી જોઇતી હતી. કોર્પોરેટ, પ્રાઇવેટ અને ટ્રસ્ટની હોસ્પિટલોમાં અપાતી સારવારથી ડાયાલિસિસ સહિત બીજા ઘણા રોગના દર્દીઓની જિંદગી PMAJY યોજના હેઠળ બચી રહી છે, તેની સરાહના કરી તેમની મુશ્કેલીઓનો અંત લાવવા તરફ વિચારણા કરવાની જરુર છે.
આ વિકટ પરિસ્થિતિને ધ્યાનમાં લઈને ડોક્ટર્સ એસોસિએશન, હોસ્પિટલો અને દર્દીઓ વતી ગુજરાતના માનનીય મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ તથા આપણા લોકલાડીલા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબ સત્વરે આ મામલે યોગ્ય પગલા લઈ આ સમસ્યાનો અંત લાવે તેવી વિનંતી કરવામાં આવી રહી છે.